The Foolish Crocodile

Find out more
about the contributors

The Foolish Crocodile

A Gujarati story by Aditi Jain


મૂર્ખ મગર

એક ગુજરાતી વાર્તા

અદિતી જૈન દ્વારા

એક સમયની વાત છે,નદીના કિનારે સુંદરમજાનું જાંબુનું ઝાડ હતું.આ ઝાડ પર એક વાંદરો રહેતો હતો,આનંદિત અને ઉમદા સ્વભાવનો વાંદરો જેને ઝાડની ડાળીઓ પર ભરપૂર માત્રામાં ઊગતા જાંબુના મીઠા ફળો ખૂબ જ ભાવતા હતા.

એક દિવસ,એક ભૂખ્યો મગર વાંદરા પાસે પહોંચ્યો અને પૂછવા લાગ્યો, ‘શું હું તારા ઝાડ પરથી થોડા ફળો લઈ શકું?’

વાંદરો કોઈપણ પ્રકારની આનાકાની વગર સંમત થયો અને ઝડપથી તેણે થોડા મીઠા ફળો ભૂખ્યા મગર તરફ નીચે ફેંક્યા. મગરે ઘેરા જાંબુ ખાધા અને તેને તે ખૂબ જ ભાવ્યા.અને તેથી તે બીજા દિવસે ફરી આવ્યો અને ફરી તેણે વાંદરાને જાંબુના ઝાડ પરથી થોડા મીઠા ફળો માટે પૂછ્યું.અને વાંદરાએ ફરી એકવાર તેના ફળો આપવાની સહમતિ દર્શાવી.

મગર ઘણા અઠવાડિયાઓ સુધી દરરોજ ઝાડ પાસે આવતો અને થોડા સમયમાં જ તે બન્ને પ્રાણીઓ ખૂબ જ સારા મિત્રો બની ગયા.

એક દિવસ,મગરે વાંદરાને પૂછ્યું, ‘શું હું તારા ઝાડ પરથી થોડા ફળો મારી પત્નિ માટે મારા ઘરે લઈ જઈ શકું?’

તેઓ બન્ને સારા મિત્રો બની ગયા હોવાને કારણે વાંદરાએ મગરને થોડા ફળો તેના ઘરે લઈ જવા માટે આપ્યા.મગરે વાંદરાનો આભાર માન્યો અને મીઠા ફળને તેની પત્નિ માટે તેના ઘરે લઈ ગયો.પરંતુ તેની પત્નિ સરસ મગર નહોતી,તેણી ચુડેલ મગર હતી અને તેણી હંમેશા જંગલના અન્ય પ્રાણીઓ વિરુદ્ધ ષડયંત્રો અને કાવતરાં ઘડતી હતી.

‘તમને આ મનોહર ફળ ક્યાંથી મળ્યું?’ પત્નિએ તેના પતિને પૂછ્યું.

‘મારો એક ખૂબ જ પ્રિય મિત્ર છે,’ મગરે જવાબ આપ્યો, ‘એક વાંદરો જે નદીના બીજા કિનારે જાંબુના ઝાડ પર રહે છે.તે દરરોજ મને ફળ આપે છે.’

પત્નિ – જે ચુડેલ હતી અને જે દુષ્ટ ચુડેલ હતી – ક્ષણભર વિચારવા લાગી અને ત્યારબાદ તેણે તેના પતિને કહ્યું, ‘જો વાંદરો જાંબુના ઝાડ પર રહે છે અને દરરોજ પૂરો દિવસ મીઠા ફળો આરોગે છે,તો વિચારો કે તેનું હ્રદય સ્વાદમાં કેટલું મીઠું હોવું જોઈએ! મને આ વાંદરાનું હ્રદય ખાવા જોઈએ છે અને તમારે તે મારા માટે લાવવું પડશે.’

હું આટલી ભયંકર વસ્તુ વિચારી પણ શકતો નથી!’ પતિ મગરે પ્રત્યુત્તર આપ્યો. ‘વાંદરો મારો મિત્ર છે અને હું તેનું હ્રદય ખાવા ઈચ્છતો નથી!’

કપટી પત્નિએ ફરી વિચાર કર્યો અને કહ્યું, ‘મને માનવામાં આવતું નથી કે તમને આ મનોહર ફળ વાંદરા પાસેથી મળ્યું છે.મને લાગે છે કે તમે મારી પીઠ પાછળ બીજી મગરને મળો છો,એક રૂપાળી મગરને.તમે મને છેતરી રહ્યા છો,મને ખબર છે!’

પતિએ તેની નિર્દોષતાનો વિરોધ કર્યો અને તેની પત્નિના આરોપોથી ખૂબ જ દુ:ખી થઈ ગયો.તેણે વાંદરા અને જાંબુના ઝાડથી દૂર રહેવાનું નક્કી કર્યુ અને કદાચ તેની પત્નિ પાછી સામાન્ય થઈ જાય અને તેણી પોતાની તમામ દુષ્ટ યોજનાઓને ભૂલી જાય.

પરંતુ ધીમે ધીમે અઠવાડિયાઓ પસાર થયા અને મગરની પત્નિએ મગર પર છેતરામણીનો આરોપ મૂકવાનું ચાલુ રાખ્યું તેણી તે જાણતી હોવા છતાં પણ કે આ સાચું નથી.

‘મને ખબર છે કે જો સાચેમાં વાંદરો છે જે જાંબુના ઝાડ પર રહે છે તો તમે તેને પકડવામાં અને તેનું હ્રદય ખાવામાં મારી મદદ કરત,’ તેણીએ તેના પતિને કહ્યું. ‘જો તમે મને પ્રેમ કરતાં હોવ તો તમારે આ કરવું પડશે.’

છેવટે બિચારો મગર જવા અને વાંદરાને જોવા અને તેને પકડવા માટે તૈયાર થયો જેથી કરીને તેની પત્નિ તેના હ્રદયને ખાઈ શકે.

બીજા દિવસની સાંજે જ્યારે તે ઝાડ પાસે આવ્યો ત્યારે તેને અપરાધીપણાનો અનુભવ થયો.વાંદરાએ નીચે જોયું અને પૂછ્યું,’ પ્રિય મિત્ર,તું આટલા બધા અઠવાડિયાઓ ક્યાં હતો? હું તને ખૂબ જ યાદ કરતો હતો.’

મગરે તેની પત્નિના આદેશ મુજબનો જવાબ આપ્યો. ‘ હું મારી પત્નિ સાથે દલીલ કરતો હતો.તેણીની તને જમવા પર બોલાવવાની ખૂબ જ ઈચ્છા છે જેથી કરીને તેણી જાંબુના ફળ માટે તારો આભાર માની શકે,પરંતુ અમે નદીના બીજા કાંઠા પર રહીએ છીએ.તું તરી શકતો નથી.જો તું નદી પાર કરવાનો પ્રયત્ન કરે તો તું ચોક્કસપણે ડૂબી જાય અને બેશક હું તે ઈચ્છતો નથી.’

‘ પરંતુ તું મને તારી પીઠ પર બેસાડીને નદીની પેલે પાર લઈ જઈ શકે છે,’ વાંદરાએ કહ્યું. ‘ તે રીતે હું તારા ઘરે જમવા આવી શકીશ અને આખરે તારી પત્નિને પણ મળી શકીશ.’

મગર સંમત થયો પરંતુ તે અંદરથી ખૂબ જ દુ:ખી હતો કે તે તેના મિત્રને છેતરી રહ્યો છે.વાંદરો,જે તેના દુર્ભાગ્યને જાણતો નહોતો,જાંબુના ઝાડ પરથી નીચે કૂદ્યો અને મગરની પીઠ પર ચઢી ગયો.ત્યારબાદ બન્ને મિત્રો પાણીમાં ઉતર્યા અને મગરના ઘર તરફ જવા નદીને પાર કરવાની શરૂઆત કરી.

તેઓ જ્યારે નદીમાં તરી રહ્યા હતા,મગરને સમજાયું કે તે વાંદરાને છેતરી શકે નહી.

‘મેં તને સત્ય કહ્યું નથી,’ મગરે કહ્યું. ‘મારી પત્નિ દુષ્ટ ચુડેલ છે અને તે તારું હ્રદય ખાવા ઈચ્છે છે.હું ખૂબ જ દિલગીર છું.’

વાંદરો ભયભીત થઈ ગયો,પરંતુ તે એક હોશિયાર વાંદરો હતો અને તેથી તેણે ખૂબ જ હળવાશથી જવાબ આપ્યો, ‘અરે,પ્રિય મિત્ર,શા માટે તે મને પહેલા આ બધું ન જણાવ્યું? હું મારું હ્રદય તો જાંબુના ઝાડ પર જ ભૂલી ગયો.આપણે તરીને ફરી પાછા જઈએ જેથી હું તારી પત્નિ માટે મારું હ્રદય લઈ આવું.’

મગરે એકદમ આશ્ચર્યચક્તિ થઈ ગયો કે વાંદરો તેનું હ્રદય આપવા માટે કેટલો ઈચ્છુક છે,તે ઝડપથી પાછો ફર્યો અને નદીના કાંઠા પર તરીને પાછો આવ્યો.

જેવા તેઓ જાંબુના ઝાડ પાસે પહોંચ્યા,વાંદરાએ મગરની પીઠ પરથી કૂદકો માર્યો અને જેટલા ઝડપથી તે ચઢી શકે તેટલી ઝડપે તે ઝાડની સૌથી ઊંચી ડાળી પર ચઢી ગયો.જ્યારે તેને લાગ્યું કે તે સલામત છે તેણે મગર તરફ નીચે જોયું. ‘તું એક બેવકૂફ મગર છે.મારું હ્રદય મારી છાતીમાં જ ધડકી રહ્યું છે જ્યાં તે હંમેશા ધડકે છે,અને તારી દુષ્ટ પત્નિને ક્યારેય પણ તેને ખાવાની તક મળશે નહી! અને હવે આપણે ક્યારેય વાત કરશું નહી કારણકે તે મારો વિશ્વાસઘાત કર્યો છે! હવે તું અહિંયાથી જતો રહે!’

મગર તેના કૃત્યો પર વિચાર કરતો તેની પત્નિ પાસે તરીને પાછો આવ્યો.પોતાના મિત્રનો વિશ્વાસઘાત કર્યા બદલ તેને અપરાધી અને દુ:ખીપણાનો અનુભવ થતો હતો અને તેને પોતાના આ કૃત્યનો અતિશય ખેદ હતો.

જેવો તે ઘરે આવ્યો તેની પત્નિએ પૂછ્યું, ‘વાંદરો ક્યાં છે?’

‘હું દ્વિધામાં છું કે વાંદરો મને છેતરી ગયો અને હવે તે તેના ઝાડ પરથી નીચે ઉતરશે નહી,’ મગરે જવાબ આપ્યો.

પરંતુ તેની પત્નિને પતિની વાતથી ખાતરી થઈ નહોતી અને તેણીએ તેને તેમના ઘરેથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો અને જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી ઘરે પાછાં ક્યારેય ન આવવાનું કહ્યું.

મગરે તેની પત્નિ પરથી પીઠ વાળી દીધી અને અત્યાર સુધી તે જેઓને જાણતો હતો તે સહુથી દૂર જવા નદીમાં તરવા લાગ્યો.તે દુ:ખી અને એકલો હતો અને તે ક્યાં જઈ રહ્યો છે તેની તેને કાંઈ ખબર નહોતી,પરંતુ તેને તે પણ ખબર પડી ગઈ હતી કે જે ક્ષણે તેણે તેના સારા મિત્ર વાંદરાનો વિશ્વાસઘાત કર્યો તે જ ક્ષણે તેણે તેના ભાગ્યને બંધ કરી દીધું હતું. ‘હું આને લાયક છું,’ ઘેરી અને અંધારી રાતમાં નદીમાં તરતાં દુ:ખી મગરે વિચાર્યુ.